કેશોદ નગરપાલિકાની વેબસાઈટ પર

આપનું હાર્દિક સ્વાગત છે...

ઈતિહાસ

-:: કેશોદ શહેરનો ટુંકમાં ઈતિહાસ ::-

પ્રાસ્‍તાવિક
 

          આ નગરનું કેશોદ નામ કેમ પડયું ? એ વિશે એક દંતકથા છે. કૃષ્‍ણ રૂક્ષ્‍મણીને લઈને નીકળ્‍યા ત્‍યારે આ રસ્‍તેથી નીકળ્‍યા હતા. આ સ્‍થળે નદીનાં કાંઠે રૂક્ષ્‍મણીએ પોતાના કેશ (વાળ) નદીના પાણી (ઉદક)માં ધોયા હતા. તેના પરથી કેશ + ઉદક = કેશોદક અને અંતે ઉચ્‍ચારમાં 'ક' નો લોપ થતાં 'કેશોદ' થયું. આજથી લગભગ બસો વર્ષ પહેલાં કેશોદ ગામનું નામ "કેશોજ" હતું. ઈતિહાસમાં ફારસી ગ્રંથમાં કેશોદ ગામ માટે કેશોજ શબ્‍દ વાપર્યો છે. બસો વર્ષ પહેલાનાં ઈતિહાસમાં કેશોદનું વર્ણન આ રીતે પ્રાપ્‍ત થાય છે. કેશોદ ફરતા બે મજબુત કીલ્‍લાઓ છે. અને તે ટીલોરી નદીના કાંઠે વસેલું છે. પૂર્વ રાયજાદાઓને તેમની રાજધાની જૂનાગઢમાંથી દૂર કરવામાં આવ્‍યા પછી તેમને ચોરવાડ સાથે કેશોદ જાગીરમાં આપવામાં આવેલું અસલ સિંધના જમીનદારો હતા તે ચુડાસમાઓના વંશમાંથી ઉતરેલા લાઠીયા, સરવૈયા વગેરે રાજપૂતો પણ આસપાસના કેટલાક ગામોની જાગીર ભોગવે છે. કેશોદના જમીનદાર દાગોજી રાયજાદાએ આ કેશોદનો કીલ્‍લો વિ.સં.1844 માં એક લાખ જામશાઈ કોરીમાં દિવાન દુલ્‍લભજીને વેંચી નાંખ્‍યું.(સોરઠી તવારીખ લે.દિવાન રણછોડજી અમરજી)

          અહીં આવેલો રાણકપરા ડુંગર હિન્‍દુ-મુસ્‍લીમ એકતાનું પ્રતિક છે. જયાં હિન્‍દુ-મુસ્‍લીમ ભાઈ-બહેનની કબર છે. કેશોદમાં કુંતનાથ મહાદેવનું પ્રાચિન મંદીર છે. વ્‍યાસબાપા આશ્રમમાં રહી તપ કરતા તે વ્‍યાસ આશ્રમ નામની જાણીતી જગ્‍યા છે. તેમજ આ શહેરમાં ભીમકુંડ આવેલો છે.

          કેશોદ શહેરની જમીનમાં રૂપું હોવાની વાત વૃઘ્‍ધોના મુખે સાંભળવા મળેલ છે. કેશોદ શહેરની પૂર્વ બાજુએ રૂપાનું પ્રમાણ હોવાનું જાણવા મળે છે. અહિં પૂર્વ બાજુએ આવેલી ધાર "રૂપાધાર" તરીકે ઓળખાય છે.

કેશોદ નગરપાલિકાનું ભૌગોલિક સ્‍થાન તથા વાહન વ્‍યવહારની વિગત

          કેશોદ શહેર સૌરાષ્‍ટ્રના દ્વિકલ્‍પ ઉપર જૂનાગઢથી પશ્‍ચિમ – દક્ષિણે 37 કી. મી. તથા વેરાવળ થી ઉત્તરે આશરે 4પ કી. મી. ના અંત્તરે જૂનાગઢ - વેરાવળ રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઉતાવળીયા વોકળાના કાંઠા ઉપર 71-15 અક્ષાંશ અને 21-18 પૂર્વ રેખાંશ પર સમુદ્ર સપાટ થી આશરે 40 મીટરની ઉંચાઈએ સ્‍થિત થયેલ છે. પશ્‍ચિમ વિભાગની બ્રોડગેજ લાઈન પરનું સીધું જૂનાગઢને 37 કી.મી. જોડતું રેલ્‍વે સ્‍ટેશન તથા તાલુકા મથક છે. જે રાજયના પાટનગરથી 375 કી.મી. દૂર છે. કેશોદ શહેરનો વિસ્‍તાર 16 ચો.કી.મી. નો છે.

રાજાશાહી વખતનું એરપોર્ટ છે. બ્રોડગેજ રેલ્‍વે છે. નેશનલ હાઈવે 8-ડી શહેરની મઘ્‍યમાંથી પસાર થાય છે.

કેશોદ નગરપાલિકાનો ટૂંકો ઈતિહાસ અને આગવી ખાસિયત

          કેશોદ નગરપાલિકાની સ્‍થાપના તા. 1-10-1950 ના રોજ થયેલ છે. અને ત્‍યારબાદ નગર પંચાયત અસ્‍તિત્‍વમાં હતી અને તા. 8-10-1986 ના રોજ વસ્‍તીના પ્રમાણને ઘ્‍યાનમાં લઈને નગરપાલિકામાં રૂપાંતર થયેલ છે. જેની કુલ વસ્‍તી 76193 ની છે અને મતદારોની કુલ સંખ્‍યા 63632 (પુરુષ: 31920, સ્ત્રી: 29712) ની છે. કેશોદ નગરપાલિકામાં કુલ 9(નવ) વોર્ડ છે. 36 સદસ્‍યોની બોડી છે.

          શહેરની આગવી ખાસિયત જોઈએ તો મૂખ્‍યત્‍વે વ્‍યાપાર અને સીંગદાણા ઉદ્યોગ આવેલા છે. અને છકડો રીક્ષા મેન્‍યુફેકચરીંગ તેમજ કબાટ અને ફર્નીચર મેન્‍યુફેકચરીંગમાં જિલ્‍લાભરમાં અગ્રતાક્રમ ધરાવે છે. સોરઠ ક્ષય નિવારણ સમિતિ સંચાલિત વિશાળ ટી.બી. હોસ્‍પીટલ (અક્ષયગઢ) આવેલ છે.